વડોદરા શહેરમાં નોંધાયેલી લાખો રૂપિયાની ઠગાઈના મામલામાં સાયબર ક્રાઈમ બ્રાંચે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શેર બજારમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીની ઘટનામાં વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે હજારો ડમી સિમકાર્ડનું રેકેટ ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. છેલ્લાં બે વર્ષમાં 4 હજાર બોગસ સિમકાર્ડ એક જ શખ્સે ઈસ્યુ કર્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, બનાવટી સિમકાર્ડ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાનના લાભાર્થીઓનો ડેટા ઉપયોગમાં લેવાયો છે.
વડોદરામાં રહેતા પ્રવિણભાઈ વરાટને અજાણ્યા વૉટ્સએપ નંબર પરથી એન્જલ વર્લ્ડ ફાયનાન્સ કંપનીમાંથી શ્રદ્ધા પટેલે વાત કરીને શેર બજારમાં રોકાણ કરો તો સારું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેથી પ્રવિણભાઈએ તબક્કાવાર 12.06 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. લાખો રૂપિયાના રોકાણ બાદ તેમના પર વધુ રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું દબાણ થતાં પ્રવિણભાઈએ રકમ પાછી માગતા ઠગ ટોળકીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ઠગાઈની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મોબાઈલ ફોન નંબરો અને બેંક એકાઉન્ટની તપાસ કરતા બેંક એકાઉન્ટ ભાડે આપનાર ક્રિષ્ણાકુમાર રાજપુરોહીત મળી આવ્યો હતો. 5 ટકા કમિશન લઈને વ્યક્તિગત તેમજ કૃષ્ણા એન્ટરપ્રાઈઝનું બેંક એકાઉન્ટ ભાડે આપનારા આરોપીના બંને ખાતામાં 1.88 કરોડની લેવડ-દેવડ થઈ હોવાનું સામે આવ્યું હતું.
વડોદરા સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં રિન્કેશ ગોસ્વામી અને હર્ષ ચૌધરીના નામ સામે આવતા તેમની તપાસ કરવામાં આવી. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને લેપટોપમાંથી સંખ્યાબંધ લોકોનો ડેટા પોલીસને મળી આવ્યો. વોડાફોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા રિન્કેશ ગોસ્વામીએ બે વર્ષમાં 4 હજાર સિમકાર્ડ ઈસ્યુ કરી ઠગ ટોળકી અને ખોટા કામ કરતા લોકોને વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો. 25 વર્ષિય હર્ષ કિર્તીભાઈ ચૌધરી મહેસાણામાં પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન હેઠળ ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હતો. ટ્રેનિંગ માટે જિલ્લા તેમજ આસપાસમાંથી આવતા ગામડાંના લોકોના ફોટા તેમજ આધારકાર્ડ મેળવી લેતો હતો. સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને આરોપી હર્ષ ચૌધરીએ લાભાર્થીઓના ફોટા તેમજ આધાર કાર્ડનો ડેટા પોતાના મોબાઈલ ફોન તથા લેપટોપમાં સ્ટોર કરી દેતો હતો. મહેસાણા જિલ્લા ના ખતોડા, ગણેશપુરા, ઉમતા, તરભ અને રામનગર ગાંધીનગર જિલ્લાના સમઉ અને ચરેડી ગામ તેમજ બનાસકાંઠા જિલ્લાતથા પાટણ જિલ્લાના ગામના રહિશોની માહિતી હર્ષ ચૌધરીએ રિન્કેશ ગોસ્વામીએ આપી હતી. રિન્કેશ એક વ્યક્તિના ડેટા પેટે 20 રૂપિયા હર્ષને આપતો હતો. જ્યારે રિન્કેશ ડમી સિમકાર્ડ ઈસ્યુ કરીને પ્રત્યેક કાર્ડ 500 રૂપિયામાં ઠગ ટોળકી અને ગુનેગારોને વેચતો હતો.