ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. અમેરિકા અને આરબ દેશો સહિત વિશ્વની મોટી શક્તિઓએ ઈઝરાયેલને અપીલ કરી કે, તેઓ યુદ્ધ વિરામ કરે અને ગાઝા પર હુમલા રોકી દેવામાં આવે તેમ છતાં યુદ્ધ ચાલુ જ છે. ઈઝરાયેલ એક સાથે ગાઝામાં હમાસ અને લેબનાનમાં હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે. આ વચ્ચે ગાઝા વહીવટી તંત્રનું કહેવું છે કે, ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 9700થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છેબીજી તરફ ઈઝરાયેલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેમણે ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરી લીધી છે.
ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, ઉત્તરી અને દક્ષિણી ગાઝાનો પરસ્પર સંપર્ક અમે ખતમ કરી દીધો છે. ગાઝા પટ્ટી માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્ત્વના છે. આ દરમિયાન ઈઝરાયેલી સેના જમીની હુમલા માટે ગમે ત્યારે ગાઝા પટ્ટીમાં ઘૂસી શકે છે. ઈઝરાયેલી સેનાના અધિકારી ડેનિયલ હગારીએ કહ્યું કે,અમે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું છે. હવે તે ઉત્તર અને દક્ષિણ ગાઝા થઈ ગયું છે. ઈઝરાયેના હુમલામાં ગાઝા પટ્ટી ઉપરાંત વેસ્ટ બેંકમાં પણ 140 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન એક વખત ફરીથી મધ્ય પૂર્વના પ્રવાસે નીકળ્યા છે. તેઓ અત્યાર સુધી 6 આરબ દેશોની યાત્રા કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિર્ણય નથી થઈ શક્યો. આરબ દેશો અમેરિકા પર ભડક્યા છે, તો બીજી તરફ ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કરી દીધું છે કે, અમે યુદ્ધ વિરામ નહીં કરીએ. તેમનું કહેવું છે કે, જો અમે યુદ્ધ વિરામ કર્યું તો તે હમાસ આગળ સરેન્ડર કરવા જેવું થશે.