રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સેકટર – 19 ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન પોલીસ સાથે ઉમેદવારોનું ઘર્ષણ થયું હતું. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી. જેમાં ત્રણ ઉમેદવારોને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો પણ હુંકાર કર્યો હતો.
ગાંધીનગર સેક્ટર 19 વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જ્ઞાન સહાયકના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે અને શિક્ષણ સચિવ વિનોદ રાવને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં ત્રણ જ્ઞાન સહાયક ઉમેદવારો ને ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સરકાર અને શિક્ષણ સચિવના ઇશારે પોલીસને આગળ કરીને બળપૂર્વક તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી જેમાં ત્રણ ઉમેદવારો ઘાયલ થયા છે.