અમેરિકાના બર્લિંગટનમાં પેલેસ્ટાઇન મૂળના ત્રણ યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ત્રણ યુવક ઘાયલ થયા છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇન મૂળના ત્રણ યુવકોને ગોળી મારવામાં આવી હતી જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ઘટનાને લઇને કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
બર્લિગટન પોલીસના પ્રમુખ જોન મુરાદે જણાવ્યુ કે વર્મોટ યૂનિવર્સિટી પાસે થેક્સગિવિંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પેલેસ્ટાઇન મૂળના ત્રણ યુવક પણ આવ્યા હતા. સાંજે 6.25 વાગ્યે યૂનિવર્સિટી પાસે જ એક અમેરિકન વ્યક્તિએ પોતાની બંદૂકથી તે યુવકો પર ગોળીબાર કર્યો હતો. આરોપીએ ચાર રાઉન્ડ ફાયર કર્યું હતું. ગોળીબાર કર્યા પછી તે ફરાર થઇ ગયો હતો.
ત્રણ યુવકોની ઉંમર 20 વર્ષ છે. બે પીડિતોએ કાળા અને સફેદ પેલેસ્ટાઇન કેફિયેહ સ્કાર્ફ પહેર્યા હતા. ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જેમાં એકની હાલત ગંભીર છે. મુરાદે કહ્યું કે પીડિતોના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ નફરતને કારણે કરવામાં આવેલો હુમલો લાગે છે. અમે એજન્સી સાથે સંપર્કમાં છીએ. કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે. FBIનું કહવેું છે કે અમને હુમલાની જાણકારી મળી છે. જો હુમલો નફરતથી પ્રેરિત થયો તો અમે કેસની તપાસ કરીશું. બીજી તરફ વ્હાઇટ હાઉસે જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિ જો બાઇડનને હુમલાની જાણકારી આપી છે.