લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર થોડું વહેલું થઇ શકે છે. ગુજરાત વિધાનસભામાં ૨જી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની શક્યતા છે. આ બજેટ સત્ર ૩૦ દિવસનું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીને પગલે આ બજેટ સત્ર એક મહિનો પહેલા યોજાશે. બજેટમાં ટૅક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં. ચૂંટણીને લીધે બજેટમાં લોકોને કેટલીક રાહતો આપવાનો પ્રયાસ થવાની ગણતરી મંડઇ રહી છે. વહેલું બજેટ ન રજૂ થઇ શકે તો વચગાળાનું બજેટ પણ રજૂ થઇ શકે છે.
નાણાં વિભાગ દ્વારા બજેટની જોગવાઇઓ માટે અત્યારથી જ જુદા જુદા વિભાગ પાસેથી દરખાસ્તો તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાનું કહેવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ ગુજરાત સરકારનું ૨૦૨૪નું બજેટ રજૂ કરશે.
હાલ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાનના પ્રવાસે છે. આ જાપાન પ્રવાસના પ્રથમ દિવસે યામાનાશી હાઈડ્રોજન કંપનીના પ્લાન્ટની મુલાકાતથી લઈને ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.