અમદાવાદમાં આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિંબધનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે.ગત સપ્ટેમ્બર મહિનાથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી 2023મો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ મેળવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.લાયસન્સ મેળવવા માટે શહેરમાંથી ૧૦૭૦ જેટલી અરજી આવી હતી.જે પૈકી ૧૨૩ જેટલા લાયસન્સ-પરમીટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ ૧૧૪૮ અરજી તંત્રને મળી હતી. ૭૭૪૨ જેટલા પશુઓનુ રજીસ્ટ્રેશન બે મહિનામાં કરવામાં આવ્યુ છે.
અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સની સાથે પશુ માલિક પાસે જગ્યા હોવા અંગેના પુરાવા પણ મ્યુનિ.તંત્ર સમક્ષ લાયસન્સ મેળવવા માટેની અરજી સાથે રજુ કરવાના હતા.મ્યુનિ.તંત્ર તરફથી સ્થળ ઉપર જઈ ખરાઈ કરવામા આવતા ૩૦૯ અરજી એવી હતી કે,જેમાં પશુ માલિકોએ પશુ રાખવા માટે જે જગ્યા દર્શાવી હતી એ જગ્યા તેમની માલિકીની હોવા અંગેના યોગ્ય પુરાવા રજુ કરી ના શકતા આ પ્રકારની અરજી તંત્ર તરફથી રદ કરવામાં આવી હતી.
બે મહિનામાં સીએનસીડી વિભાગની 22 ટીમોએ શહેરમાંથી રખડતા 8,121 પશુઓ પકડ્યા હતા. અને બે મહિનાના સમયમાં 209 પશુ માલિકો વિરુદ્ધ જુદા-જુદા પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી છે તો સાથે જ મ્યુનિસિપલ સ્ટાફ સ્ટાફ સાથે ઘર્ષણના 33 બનાવ પણ નોંધાઈ ગયા છે.