મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા હતા, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય આલાકમાને સોમવારે રાત્રે એમપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથને રાજીનામું આપવા માટે કહ્યું હતું. જો કે આ વાતનો કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. 5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે.
સોમવારે રાત્રે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, હાઈકમાન્ડે કમલનાથને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું છે. તેનું કારણ એ છે કે આ ચૂંટણીઓ દરમિયાન અને તેની પહેલા પણ પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા હતા. તેથી આ હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવીને તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.
જ્યારે કમલનાથને આ સમાચારની સત્યતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રાજીનામું માંગવાના સમાચારને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે “મને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નથી, તે માત્ર એક અફવા છે અને મંગળવારે ભોપાલમાં તમામ ઉમેદવારો સાથેની અમારી બેઠક સમયપત્રક મુજબ થશે.” 5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે.