ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. અસ્થાયી યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલ વધુ આક્રમક બન્યું છે. હવે તે સમગ્ર ગાઝા પર મોટાપાયે હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલી આર્મીના કેટલાક વીડિયો ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને દરેકને આશ્ચર્ય થઇ રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ ગાઝામાંથી હમાસના લગભગ 100 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ 100 શંકાસ્પદ આતંકવાદીઓની ઇઝરાયલી ફોર્સના જવાનો દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલની સેનાએ હમાસના 100 લોકોની ઓળખ કરી છે અને તેઓને કપડાં વગર રસ્તા પર બેસાડવામાં આવ્યા છે અને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. અન્ય એક તસવીરમાં સેંકડો લોકો રેતી પર કપડા વગર બેઠા છે અને પાછળ ઈઝરાયેલી આર્મીના સૈનિકો દેખાય છે. આને હમાસ દ્વારા 7 ઓક્ટોબરના બર્બર હુમલાના ઇઝરાયલી સેનાના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ તસવીરો ગાઝાથી આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આત્મસમર્પણ કર્યા બાદ આ લોકોને જમીન પર નમન કરવામાં આવ્યા હતા અને તેમના કપડા ઉતારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ લોકો અન્ડરવેર પહેરીને જ બેઠેલા જોવા મળે છે. આ લોકોને પહેલા ગાઝાની સડકો પર પરેડ કરવામાં આવી હતી, ત્યારબાદ ઈઝરાયેલી સેના તેમને ટ્રકમાં લઈ ગઈ હતી. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે જ્યાં સુધી 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવાર અને હમાસના અન્ય વરિષ્ઠ કમાન્ડરોનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ બંધ કરવામાં આવશે નહીં.
‘ધ ન્યૂ અરબ’ અનુસાર, ઈઝરાયેલ દ્વારા સૈનિકોને અજાણ્યા સ્થળે લઈ જતા પહેલા તેમાંથી કોઈ હમાસ સાથે સંબંધ ધરાવે છે કે કેમ તેની તપાસ કરી હતી. આમાંના ઘણા માણસો અગાઉ હમાસના આતંકવાદીઓ હતા અને તેઓ આંખ પર પાટા બાંધેલા અને પીઠ પાછળ હાથ બાંધેલા જોઈ શકાય છે.