ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણાની કોંગ્રેસ સરકારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. તેમનું કામ નવા ધારાસભ્યોને શપથ અપાવવાનું અને વિધાનસભા સ્પીકરની ચૂંટણી કરાવવાનું હોય છે.
ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠકથી જીતનારા અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણાના નવા ધારાસભ્યોને શપથ અપાવશે. ઓવૈસીની નિમણૂંક પર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી જીવતો છું, ત્યાં સુધી ઓવૈસીની સામે શપથ નહીં લઉં.
ટી રાજા સિંહે કહ્યું કે, કોંગ્રેસ સરકારે તેમના માટે આદેશ કાઢ્યો છે કે, કાલે અકબરુદ્દીન ઓવૈસીની સામે તમામ લોકો શપથ સમારોહમાં સામેલ થશે. આ રાજા સિંહ જ્યાં સુધી જીવતો છે, AIMIMની સામે શપથ નહીં લે. અકબરુદ્દીન ઓવૈસી સામે શપથ નહીં લે.
ટી રાજાએ વધુમાં કહ્યું કે, ‘2018માં પણ આ જ AIMIMના ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવીને બેસાડ્યા હતા. તે સમયે પણ નહોતા લીધા. હું કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પૂછવા માંગું છું કે, શું તમે BRSના માર્ગે ચાલવા માંગો છો.’
ટી રાજા સિંહે કહ્યું કે, સરકારી જમીનો પર તેમનો કબજો છે. તેલંગાણામાં રહીને હિંદુઓને મારવાની વાત કરે છે. શું આવા વ્યક્તિની સામે શપથ લેશો? રેવંત રેડ્ડી કહેતા હતા કે, BRS, AIMIM અને ભાજપ એક છે. હવે બતાવો કે તમારા AIMIM સાથે શું સંબંધ છે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા મેળવી છે. કોંગ્રેસે 119 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે. ત્યારે BRSએ 39, ભાજપે 8, AIMIMએ 7 અને CPIએ એક બેઠક પર જીત મેળવી છે.