કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધો મૂકવામાં આવ્યો છે જે ડુંગળી પકવતા ખેડૂતોને અન્યાય કરતા હોય આ પ્રતિબંધ તાત્કાલિકના ધોરણે હટાવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ ભાવનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે કે ખેડૂતોની આવક બમણી થવા પામી છે. પરંતુ ગત વર્ષે પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા ન હતા અને આ વખતે નિકાસ કરવાથી ખેડૂતોને ભાવ મળે તેવી શક્યતા દેખાઈ રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે અને નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગણી ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કિસાન સંઘના હસમુખભાઈ સાવલીયા, મગનભાઈ પટેલ, આર.જી.વાળા સહિત જોડાયા હતા.