આણંદના બોરસદમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ 12 વર્ષ અગાઉ ગુમ થયેલા આર્મીમેન પતિનું પેન્શન મેળવવા માટે અરજી કરી હતી. જો કે, વિભાગમાંથી તેમને તેના ગુમ થયાની હકીકત અંગે કોઈ પુરાવો આપવા માટે જણાવવાનું કહેતા આખરે મહિલાએ 12 વર્ષ બાદ તેના ગુમ થયાની ફરિયાદ બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
28 વર્ષીય સાજીદખાન અનવરખાન પઠાણ આર્મીમાં ફરજ બજાવતો હતો. તેને દહેરાદૂન ખાતે પોસ્ટિંગ મળતાં 10મી એપ્રિલ 2012માં તે ઘરેથી દહેરાદૂન જવા માટે નીકળ્યો હતો. પણ તે ત્યાં હાજર જ થયો નહોતો. બીજી તરફ યુવકની પત્ની સાહિદાબાનુએ સગા-સંબંધી અને મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહોતો. જેને પગલે ગુરુવારે આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
સાહિદાબાનુ માટે તેના ત્રણ બાળકોનો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો હતો. જેને પગલે તેણે વિભાગમાં તેણીને પતિનું પેન્શન તેને મળે તે માટે થોડા સમય અગાઉ અરજી કરી હતી. બોરસદનો આર્મી મેન ગુમ થયા બાદ હવે 12 વર્ષે પોલીસને જાણ કરવામાં આવી છે. જો પોલીસની તપાસ દરમિયાન જવાન મળી આવશે તો આર્મીને સત્તાવાર જાણ કરાશે. જો કે ફરજ પર હાજર થયો ન હોવાથી આર્મી દ્વારા તેનો કોર્ટ માર્શલ કરાય તેવી શકયતા જાણકારોએ વ્યકત કરી હતી.
સમગ્ર કિસ્સામાં યુવક જીવિત છે કે મૃત તે જ નક્કી થઈ શક્યું નથી. જોકે, નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો સાત વર્ષ સુધી કોઈ પતો ન મળે તો તેવા કિસ્સામાં તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ માટે કોર્ટમાંથી પ્રોસિઝર કરવી પડે છે અને એ પછી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેને મૃત જાહેર કરવામાં આવતો હોય છે.