7મીથી શરૂ થઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવને અનુલક્ષી રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેની શરૂઆત પતંગ મહોત્સવથી થશે. આ વખતે રોજ સાંજે 6 કલાકે પૂરો થનારો પતંગોત્સવ 2 કલાક લંબાવીને રાત્રિના 8 કલાક સુધી રખાયો છે જ્યારે 10મીથી આરંભ થનારી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા વિદેશી મહેમાનો માટે અડધાથી માંડીને 2 દિવસની ટૂરનું આયોજન કરાયું છે, જેમાં અડાલજની વાવ, અક્ષરધામ, અમદાવાદ હેરિટેજ વૉક, ગાંધી આશ્રમ, હઠીસિંગ જૈન દેરાસર, સિદી સૈયદની જાળી, સરખેજ રોજા, કાઇટ ફૅસ્ટિવલ, રિવરક્રૂઝ, સાયન્સ સિટી, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, પાટણનું પટોળાં મ્યુઝિયમ, મોઢેરાનું સૂર્યમંદિર, નળ સરોવર, લોથલ, બાલાસિનોરનું ડાયનાસોર મ્યુઝિયમ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વડોદરાનો લક્ષ્મી પેલેસ, પાવાગઢ, જાંબુઘોડાની મુલાકાત કરાવાશે.
ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના તા. 9થી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કલ્ચરલ ઇવેન્ટ પણ યોજાશે. 7થી 14 જાન્યુ.દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ અને પોળ ઉપરાંત વડોદરા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, દ્વારકા, સુરત, રાજકોટ, ધોરડો, વડનગર, નડાબેટમાં યોજાશે. તેમાં યુકે, યુએસ, જર્મની, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આર્જેન્ટીના, મેક્સિકો, ઇન્ડોનેશિયા, મલેશિયા સહિત 53 દેશના પતંગબાજો ભાગ લેશે. ઉપરાંત ભારતનાં દિલ્હી, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, પંજાબ સહિત 12 રાજ્યના પતંગબાજો હશે. આ સિવાય ગુજરાતના અમરેલી, આણંદ, જૂનાગઢ, ભાવનગર, વડોદરા સહિત 23 જિલ્લાના પતંગબાજો હશે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તા. 9થી 11 સુધી રોજ રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે. આ કલ્ચરલ પ્રોગ્રામમાં ત્રણ દિવસ દરમિયાન આશરે 478 કલાકાર ભાગ લેશે. કલ્ચરલ ઇવેન્ટ મહાત્મા મંદિરમાં એમપી થિયેટરમાં યોજાશે. જેમાં દરેક કલ્ચરલ ઇવેન્ટની શરૂઆત અલગ અલગ દિવસે ભરત નાટ્યમ્ થકી ગણેશ વંદના, દુર્ગા સ્તુતિ અને કથક નૃત્યથી ગણેશ વંદના કરીને થશે. આ સાથે ગરબાનું આયોજન પણ કરાયું છે. ગરબા સાથે ગુજરાતના આદિવાસીઓનું પ્રખ્યાત નૃત્યો પણ દર્શાવાશે. ઉપરાંત ડાંગી નૃત્ય પણ દર્શાવાશે.