હેડફોન કે પછી હેન્ડ્સફ્રીનો વધારે પડતો ઉપયોગ કરવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે. ગુજરાતના યુવાનોમાં એક કાને બહેરાશ ધરાવતા કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. હેડફોન, હેન્ડ્સફ્રીના વધારે પડતાં વોલ્યૂમ સાથે ઉપયોગથી પણ બહેરાશની સમસ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે.
બ્રિટનના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ છે. ડોક્ટરોના મતે ખૂબ જ ગંભીર કોવિડ હોય તેમને પ્રોમ્બોસિસ (લોહીનો ગંઠાવ) થાય છે. જે ધીરે-ધીરે શરીરના કોઈ પણ અવયવમાં પહોંચીને ત્યાં રક્તપ્રવાહની કામગીરી અટકાવી શકે છે. જેના કારણે પણ એક ભાગની શ્રવણશક્તિ ક્ષીણ પડી હોવાના કેસ જોવા મળે છે. આ ઉપરાંત અદ્યતન જીવનશૈલી પણ એક કાને બહેરાશ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
થોડા વર્ષ અગાઉ એક કાને બહેરાશ આવી ગઈ હોય તેવા 6 મહિને માંડ 1 દર્દી આવતા હતા. પરંતુ હવે મહિને 15થી 20 દર્દી આવે છે અને તેમાંથી મોટાભાગના યુવાનો હોય છે. એક કાને બહેરાશ આવવા માટે કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમહોમથી હેડફોનનો વધારે ઉપયોગ, હેન્ડ્સફ્રીથી ભારે વોલ્યૂમ સાથે મૂવી જોવું-મ્યુઝિક સાંભળવું જેવી બાબતનો સમાવેશ થાય છે.
એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ જ મોડેથી ખ્યાલ આવે છે કે તેમને એક કાને બહેરાશ આવી છે. આ ઉપરાંત બહેરાશ ગઇ છે તેવી લોકો મજાક ઉડાવશે તેવા સંકોચથી પણ અનેક લોકો સમયસર સારવાર માટે આવતા નથી.