ઝારખંડના રાંચીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ પર આતંકવાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. શિખ ફોર જસ્ટિસ સંગઠને રાંચીમાં 23 ફેબ્રુઆરીએ રમાવા જઇ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ ક્રિકેટ મેચને રદ કરવાની ધમકી આપી છે. આ સાથે જ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને પરત ફરવાની પણ ધમકી આપી છે.
આ મામલે રાંચી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના સીનિયર અધિકારી અને રાંચીના ડીસી રાહુલ સિન્હા ખુદ તેના પર નજર રાખી રહ્યાં છે. આ ધમકીના ઓડિયો-વીડિયોને વેરિફાઇ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં રાંચીમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે શિખ ફોર જસ્ટિસના ગુરપતવંતસિંહ પન્નૂએ યૂ ટ્યુબ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચને રદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને આહવાન કર્યું છે કે તે ઝારખંડ અને પંજાબમાં આતંક ફેલાવે જેથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ મેચ ના રમી શકે.
શિખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબના રહેવાસી છે પરંતુ તે અમેરિકામાં રહે છે. પન્નૂએ વીડિયોમાં ઇંગ્લેન્ડની ટીમને પરત ફરવાની પણ ધમકી આપી છે. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં સ્પષ્ટ રીતે આતંકી કાર્યવાહી ગણવામાં આવી છે. આ વીડિયોમાં ગુરપતવંત સિંહ પન્નૂ ભાકપા માઓવાદીઓને ઉકસાવતા કહી રહ્યો છે કે આદિવાસીઓની જમીન પર ક્રિકેટ ના રમવા દો. તંત્ર તેને બે મિત્ર દેશો વચ્ચે રમત સંબંધો બગાડવા અને પ્રતિબંધિત માઓવાદી સંગઠનના માધ્યમથી રમતને નુકસાન કરવાના પ્રયાસ તરીકે જોઇ રહી છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે આ રીતના વિવાદિત વીડિયોથી સરકારને ભારે આર્થિક નુકસાન થઇ શકે છે. સાથે જ દેશની છબી પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસે આઇટી એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરી છે.