પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ગામ રાજકારણનું કેન્દ્ર બન્યું છે. TMCના નેતાઓ વિરૂદ્ધ સંદેશખાલીના લોકોના આરોપ બાદ વિપક્ષ સતત મમતા સરકાર પર પ્રહાર કરી રહ્યું છે.સંદેશખાલીમાં બ્લૉક વિકાસ અધિકારી (BDO) પાસે લોકો પોતાની ફરિયાદો લઇને પહોંચી રહ્યાં છે. ફરિયાદ નોંધાવનારાઓમાં મહિલાથી લઇને પુરૂષ સામેલ છે. કહેવામાં આવે છે કે એક અઠવાડિયામાં સંદેશખાલીના પીડિતોએ 700થી વધુ ફરિયાદ નોંધાવી છે જેમાં યૌન શોષણથી લઇને જમીન પર કબ્જો કરવાનો આરોપ સામેલ છે.
સંદેશખાલીમાં વિવાદ બાદ વિપક્ષના દબાણમાં પશ્ચિમ બંગાળ સરકારે લોકોને પોતાની ફરિયાદો નોંધાવવા કહ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે લોકો પોતાની ફરિયાદને BDO પાસે નોંધાવી શકે છે. તે બાદ 6 દિવસમાં 700થી વધુ ફરિયાદ મળી છે.
સંદેશખાલી-દ્વિતીય બ્લોકના BDO અરૂણ કુમાર સામંતે જણાવ્યું કે અમને છ દિવસમાં 700થી વધુ ફરિયાદ મળી છે. 150થી વધુ જમીન સાથે સંબંધિત હતી જ્યારે 70થી વધુ બળજબરી વસુલીના કેસ હતા. હવે અમે બળજબરી જમીન પર કબ્જા મામલે મળેલી ફરિયાદો બાદ વાસ્તવિક માલિકોની ઓળખ શરૂ કરી દીધી છે. કેટલાક લોકોને તેમની જમીન પરત કરવામાં આવી છે. કેટલાક પીડિતોનું કહેવું છે કે અમારી જમીનો પર બળજબરી કબ્જો કરીને તેને માછલી પાલનમાં બદલી નાખવામાં આવી હતી. હવે અમારી પાસે આ સમસ્યા ઉભી થઇ છે કે માછલી પાલનની જમીનને પરત ખેતીની જમીન કેવી રીતે બનાવવામાં આવે?
BDO સામંતે કહ્યું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે અને અમે જમીન પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફરિયાદ મળ્યા બાદ અમે તેના પર કાર્યવાહી કરીએ છીએ અને પછી જમીનને તેના મૂળ માલિકોને પરત કરીએ છીએ.