ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ બ્રેઇનસ્ટ્રોકની સારવાર બાદ હવે સ્વસ્થ થઇ જતા આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી અને તેઓ ગાંધીનગર સ્થિત મંત્રી નિવાસે જવાની છુટ આપવામાં આવી હતી.
જામનગર નજીક પોતાના મત વિસ્તારમાં એક કાર્યક્રમ દરમ્યાન ગત 11 ફેબ્રુઆરીએ કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલને બ્રેઇનસ્ટ્રોકનો હુમલો આવ્યો હતો અને સારવાર માટે તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.18 દિવસની સારવાર બાદ હવે તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપીને ગાંધીનગર નિવાસે મોકલવામાં આવ્યા છે. આજે એમ્બ્યુલન્સમાં તેઓને ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતા. સાવચેતી રૂપે તબીબોની એક ટીમને પણ સાથે મોકલવામાં આવી હતી.
કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલની સારવાર કરનાર ન્યુરો સર્જન ડો.સંજય ટીલાળાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ 90 ટકા રીકવર થઇ ગયા છે અને હવે માત્ર ફિઝીયોથેરાપી અને રીહેબીલેશન ટ્રીટમેન્ટની જ જરૂર છે. હોસ્પિટલમાં રહેવાની જરૂરીયાત ન હોવાથી અને સ્વસ્થ હોવાથી રજા આપવામાં આવી છે. હવે ગાંધીનગર નિવાસે જ તેઓની ફિઝીયો અને રીહેબીલેશન ટ્રીટમેન્ટ શકય હોવાથી રજા અપાઇ છે. નિયમીત ચેકઅપ માટે હવે તેઓને આવવું પડશે. બાકી હવે તેઓ ભોજન પણ જાતે લેવા લાગ્યા છે અને યુરીન પાઇપ વગેરે પણ હટાવી લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તબીબોએ પુષ્પગુચ્છ આપીને તેઓને વિદાય કર્યા હતા. આ તકે ડો. વલ્લભ કથીરીયા પણ હાજર હતા