કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 મહિનામાં 75 લોકોને બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી.
જયસ્વાલે કહ્યું, “આ ભારતીયોને નોકરીની લાલચ આપીને કંબોડિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી તેઓને ત્યાં સાયબર ફ્રોડ સંબંધિત કામ કરાવવામાં આવ્યા હતા. લગભગ 5 હજાર ભારતીયો હજુ પણ કંબોડિયામાં ફસાયેલા છે. તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે.”
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કંબોડિયામાં ભારતીયોને બળજબરીથી રાખવામાં આવ્યા. આ લોકોને ભારતના નાગરિકો સાથે સાયબર છેતરપિંડી કરવાની ફરજ પાડવામાં આવી હતી. સરકારનો અંદાજ છે કે છેલ્લાં છ મહિનામાં છેતરપિંડી કરનારાઓએ ભારતમાં લોકો સાથે રૂ. 500 કરોડની છેતરપિંડી કરી છે.
જયસ્વાલે કહ્યું કે કંબોડિયામાં ભારતીય દૂતાવાસ સક્રિયપણે ભારતીયોની મદદ કરી રહ્યું છે. એમ્બેસીએ કંબોડિયન સત્તાવાળાઓ સાથે મળીને 250 ભારતીય નાગરિકોને બચાવ્યા અને ભારત પાછા મોકલ્યા. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આવી કપટી યોજનાઓથી બચવા ચેતવણી આપી છે. જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે કંબોડિયામાં તમામ ભારતીયોને મદદ કરવા તૈયાર છીએ જેઓ અમારો સમર્થન માગે છે. અમે આ કપટી યોજનાઓ માટે જવાબદાર લોકોને પકડવા માટે કંબોડિયન સત્તાવાળાઓ અને ભારતમાં સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કામ કરીશું.”
તેઓ મહિલાઓની નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને ભારતીયોને છેતરતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંબોડિયામાં જે ભારતીયોને સાયબર ઠગ બનાવવામાં આવ્યા હતા તેઓ ED અને અન્ય કસ્ટમ્સ ઓફિસર તરીકે ભારતમાં કોલ કરતા હતા. તેઓ લોકોને કહેતા હતા કે તેમના દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. જો તેઓ પોલીસ કાર્યવાહીથી બચવા માંગતા હોય તો પૈસા મોકલો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રીતે છેતરપિંડી કરીને ભારતીયોને કંબોડિયામાં સાયબર ગુલામીમાં ધકેલી દેવામાં આવે છે.
કંબોડિયામાંથી બચાવી લેવામાં આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે મેંગલુરુના એક એજન્ટે તેને કંબોડિયામાં ડેટા એન્ટ્રીની જોબ ઓફર કરી. જે બાદ વધુ બે લોકોને કંબોડિયા લઈ જવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે તેને ટૂરિસ્ટ વિઝા પર લેવામાં આવ્યો હતો. કંબોડિયા પહોંચતા જ તેને એક ઓફિસમાં લઈ જવામાં આવ્યો. અહીં તેની ટાઈપિંગ સ્પીડ ટેસ્ટ કરવામાં આવી હતી અને ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જો કે, આ સમયે પણ તેને ખબર નહોતી કે તેની સાથે શું કરવામાં આવશે.
ઓફિસમાં જોડાયા પછી તેને ખબર પડી કે તેનું કામ ફેસબુક પર એવા લોકો વિશે જાણવાનું છે કે જેમની સાથે સરળતાથી છેતરપિંડી થઈ શકે છે. લોકોને ફસાવવા માટે તેઓ મહિલાઓના નામે ફેસબુક આઈડી બનાવતા હતા. ચીનની એક ટીમ તેની પાસેથી આ તમામ કામ કરાવતી હતી. મલેશિયાના એક માણસે તેની સૂચનાઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો.