સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન ડાભીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. ધ્રાંગધ્રા સીટી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં બનેલી ઘટના સમાન સુરતમાં પણ આ મહિનામાં જ મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હતી. 18 માર્ચે સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મહિલાના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ મહિલા પોલીસકર્મીના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના સંબંધ પ્રશાંત ભોંય નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ બાદ પોલીસે લગ્નને ઠેલવનાર કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.