એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે 13થી 15 એપ્રિલ દરમિયાન માવઠાની પણ આગાહી કરી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુરૂવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વીજળીના કડાકા-ભડાકા તો ક્યાંક ધીમે ધારે વરસાદ વરસ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગર સહિત તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં કવાંટ, નાની ટોકરી, મોટી ટોકરી, મોટાઘોડા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા હતા પરિણામે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં લીમડી, મિરાખેડી સહીતના વિસ્તારમાં માવઠું થયું હતું. મિરાખેડીમાં કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં બપોર બાદ કમોસમી વરસાદ પડયો હતો. દાંતા તાલુકાના ભાણપુર, હડાદ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તેમજ અંબાજી પંથકમા પણ વરસાદી માહોલ છવાયો હતો.