લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષી ચૂંટણી પંચ રાજકીય પક્ષોના ભાષણો સાથે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ સતત નજર રાખી રહ્યું છે. આ ક્રમમાં, ECIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને ચાર ચૂંટણી પોસ્ટ દૂર કરવાનો આદેશ આપ્યો. આ પોસ્ટ્સ આમ આદમી પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ મૂકી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દૂર કરવામાં આવી છે. બીજી તરફ એલોન મસ્કની કંપની X એ ચૂંટણી પંચના આદેશનું પાલન કર્યું અને પોસ્ટ હટાવી તો દીધી, પરંતુ એમ પણ કહ્યું કે તે તેની સાથે સંમત નથી કારણ કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ કહ્યું,ભારતના ચૂંટણી પંચે X ને ચૂંટાયેલા રાજકારણીઓ, રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા શેર કરાયેલ રાજકીય ભાષણ ધરાવતી પોસ્ટ્સ પર પગલાં લેવા માટે જરૂરી આદેશો જારી કર્યા છે. આદેશને પગલે અમે આ ચૂંટણી પોસ્ટ હટાવી દીધી છે.
બીજી તરફ, Xની ટિપ્પણી પર ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, ચૂંટણી પંચે આવી કાર્યવાહી પર સ્પષ્ટતા કરી હતી કે ચાર ચૂંટણી પોસ્ટ દૂર કરવામાં આવી છે. તે આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતી હતી. અમે કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ કે કાર્યકરોને કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકરના અંગત જીવનની ટીકા કરવાની મંજૂરી આપી શકીએ નહીં. આ સિવાય આવા આરોપોનો કોઈ આધાર નથી. તેથી, અમે અમારા આદેશમાં આવી પોસ્ટને પ્રતિબંધિત કરીએ છીએ.