લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થવાનું છે. હાઈ-વોલ્ટેજ પ્રચાર બુધવારે સાંજે બંધ થઈ ગયો. 26 એપ્રિલે કેરળની તમામ 20 સીટ પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.
26 એપ્રિલે યુપીની જે 8 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલ પણ સામેલ છે.
બીજા તબક્કામાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.
ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી. જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો પર મતદાન થશે.