ભરઉનાળે કમોસમી વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે. ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો, અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી ને હોર્ડિગ્સ ફાટ્યા, બોટાદ, ઈડર, કપરાડામાં કરા પડ્યાં, અમરેલીમાં મિની વાવાઝોડાથી શુભ પ્રસંગ માટે બાંધેલો મંડપ ઉડ્યો અને વલસાડમાં વંટોળથી વૃક્ષો ધરાશાયી થયા હતા.
ગુજરાતમાં ગઈકાલે બપોર બાદ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં કરા સાથે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અણધાર્યા વરસાદથી અમરેલી, જૂનાગઢ, સુરત, હિંમતનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, આણંદ સહિત રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે કેટલાય જીલ્લાઓમાં, વીજળી ગૂલ થઈ હતી. વંટોળથી વૃક્ષો ધરાશાઈ થયા હતા. ધૂળની ડમરીઓ ઉડતાં શહેરોમાં વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ પડી હતી.
આજે 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના મતે આજે સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મોટાભાગના શહેરોમાં વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે.