બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાઈ રહ્યું છે. શુક્રવાર સુધીમાં તે ચક્રવાત એટલે કે વાવાઝોડામાં રૂપાંતરિત થવાની સંભાવના વધી ગઇ છે. જેના કારણે ઓડિશા, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના ઉત્તરી જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે માહિતી આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર એક લો પ્રેશર ઝોન સર્જાયું છે. શુક્રવારથી બાલાસોર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદઅને ઉત્તર ઓડિશાના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની અપેક્ષા છે.
હવામાન વિભાગે માછીમારોને ગુરુવાર અને શુક્રવારે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે કારણ કે દરિયાની સ્થિતિ ઉબડ-ખાબડ રહેવાની ધારણા છે. માછીમારોને ગુરુવાર સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. ઓડિશાના વિશેષ રાહત કમિશનરે જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા વિનંતી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં 35-45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તે ધીરે ધીરે બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાક સુધી વધશે. વિભાગે જણાવ્યું કે, શુક્રવાર સવારથી 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.