26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો.
આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ ડાયસ ઉપર આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, આ દુર્ઘટનામાં નાના બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાના સમાચાર અહેવાલો કોર્ટ સમક્ષ મૂકાયા છે. આ દુર્ઘટનાથી કોર્ટને પણ આંચકો લાગ્યો છે. TRP ગેમ ઝોને GDCRની છટકબારીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ગેમિંગ ઝોને તેમની રીતે પ્રવૃત્તિઓ કરી છે. સંલગ્ન ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ લેવામાં આવી નથી. ફાયર NOC કે બાંધકામની મંજૂરી વગર, કામચલાઉ માળખું ઉભું કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ ઉપર ચાલતા આવા ગેમ ઝોનની પણ નોંધ લે છે. પરમિશન વગર ચાલુ કરાતા આવા ગેમ ઝોનમાં બાળકો અને લોકોની સુરક્ષા જોખમમાં મૂકાય છે. TRP ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો હતા.
અરજદારે કહ્યું- રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તૈયાર કરાય, RMCની જવાબદારી નક્કી કરાય, આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે.