બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. હીટવેવથી બિહારમાં 8 લોકોના મોત મોત થયા છે. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. બિહારના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. વધતા તાપમાન વચ્ચે અનેક જિલ્લાઓમાં તીવ્ર ગરમીનું મોજું પણ ચાલી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બક્સર, ઔરંગાબાદ, ગયા, ભભુઆ અને રોહતાસ જિલ્લામાં ગરમી તેના સર્વોચ્ચ સ્તરે છે. આગામી દિવસોમાં પણ તીવ્ર ગરમી અને હીટવેવની ચેતવણી છે.
ભારતીય હવામાન વિભાગએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે બુધવારે હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના ભટિંડા શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. બિહારના ઔરંગાબાદમાં મહત્તમ તાપમાન 48.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજસ્થાનના પાલી જિલ્લામાં તાપમાન 48.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. બુધવારે દિલ્હીના રિજ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વધતા તાપમાન વચ્ચે રાજધાની દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. બુધવારે દિલ્હી-NCRમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે દિલ્હી-NCRના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. બિહારમાં હીટવેવને કારણે 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. ચૂંટણી ડ્યુટી પર તૈનાત એક ઇન્સ્પેક્ટર અને એક સૈનિકે પણ જીવ ગુમાવ્યો છે. IMDએ કહ્યું છે કે, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના 14 રાજ્યોમાં આજે સાંજ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે ગરમી અને હીટવેવથી કોઈ રાહત મળશે નહીં. બુધવારે દિલ્હીમાં મહત્તમ સરેરાશ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે 79 વર્ષમાં સૌથી વધુ છે. દિલ્હીના વિવિધ ભાગોમાં 45.2 થી 49.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દિલ્હીના મુંગેશપુર અને નજફગઢ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.