અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે એક પાકિસ્તાની કાર ડ્રાઈવરે એક યહૂદી શિક્ષક અને કેટલાક વિદ્યાર્થીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન ટેક્સી ડ્રાઈવર બૂમો પાડી રહ્યો હતો કે તે બધા યહૂદીઓને મારી નાખશે.
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાર ડ્રાઈવર અસગરે કેટલાક યહૂદી વિદ્યાર્થીઓને જોયા અને બુધવારે મેસિવતા નાક્લાસ યાકોવ સ્કૂલની બહાર તેમનો પીછો કર્યો. આ પછી તેણે શિક્ષક અને બે વિદ્યાર્થીઓ પર પોતાની કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષક અને વિદ્યાર્થીઓનો બે બ્લોક સુધી પીછો કર્યા બાદ તે પોતાની કાર લઈને ફરી શાળા તરફ ગયો. આ દરમિયાન, શિક્ષક અને વિદ્યાર્થીઓએ એક બિલ્ડિંગમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. આ પછી આરોપી ડ્રાઈવરે ફરી એકવાર 30-40 યહૂદી વિદ્યાર્થીઓના સમૂહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, 58 વર્ષના આરોપીનું નામ અસગર અલી છે. તે એક પાકિસ્તાની ઇમિગ્રન્ટ છે જે લગભગ 20 વર્ષ પહેલા અમેરિકા આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અસગર માનસિક રીતે બીમાર છે. કેબ ડ્રાઈવર હોવા છતાં તેની પાસે કાર ચલાવવાનું લાઇસન્સ નથી. અસગરની પહેલીવાર 1998માં ખોટી ઓળખના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેની અલગ-અલગ કેસમાં 4 વખત ધરપકડ કરવામાં આવી છે. હાલમાં, ન્યૂયોર્ક પોલીસ વિભાગની હેટ ક્રાઈમ ટાસ્ક ફોર્સ આ બાબતની તપાસ કરી રહી છે. અસગર પર હત્યાના પ્રયાસ અને હેટ ક્રાઈમ સંબંધિત લગભગ 12 આરોપો લગાવવામાં આવ્યા છે.