લોકસભાના અધ્યક્ષ માટે આજે સવારે 11 વાગ્યે ચૂંટણી યોજાશે. NDAના ઓમ બિરલા અને INDIA ગઠબંધનના કે સુરેશ વચ્ચે મુકાબલો છે. 542 સાંસદોમાંથી માત્ર 537 સાંસદો જ સ્પીકરને મત આપશે. સવારે 11 વાગ્યા પછી નક્કી થશે કે લોકસભાના સ્પીકર કોણ હશે.
અગાઉ સ્પીકરની ચૂંટણી બિનહરીફ થઈ છે પરંતુ આ વખતે વિપક્ષ ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી રહ્યા છે. સરકાર તેમની માંગણીઓ સ્વીકારી રહી નથી ત્યારે વિપક્ષ પણ પોતાની તાકાત બતાવી રહ્યો છે. સંખ્યાત્મક તાકાત મુજબ ઓમ બિરલાની પસંદગી લગભગ નિશ્ચિત છે.
લોકસભાના તમામ સભ્યો તેમાં મતદાન કરશે. NDA અને INDIA ગઠબંધન વચ્ચે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદને લઈને કોઈ સહમતિ ન થયા પછી, વિપક્ષે મંગળવારે કે. સુરેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જ્યારે NDAએ ફરી એકવાર 17મી લોકસભામાં સ્પીકર રહેલા ઓમ બિરલામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના કોટા-બુંદી લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખતના સાંસદ ઓમ બિરલા અને કેરળના માવેલિકારાથી 8મી વખત સાંસદ કે. સુરેશ વચ્ચે સીધી હરીફાઈ છે. ભારતના ચૂંટણી ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે વિપક્ષે લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હોય. NDAના આંકડાઓ મજબૂત છે, તેથી તે સરકારમાં પણ છે. તેથી ઓમ બિરલાની જીત નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. લોકસભામાં NDA સાથે 293 સાંસદો છે. જ્યારે INDIA ગઠબંધનના 233 સાંસદો છે.
આ સાંસદો નહીં કરી શકે મતદાન
મંગળવારે -બીજા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, SP પ્રમુખ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ સહિત ઘણા નવા ચૂંટાયેલા સભ્યોએ લોકસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. જો કે આ દરમિયાન સાત જેટલા લોકસભા સભ્યો શપથ લઈ શક્યા ન હતા. વાસ્તવમાં જે નેતાઓએ શપથ લીધા નથી તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, TMC નેતા શત્રુઘ્ન સિંહા, દીપક અધિકારી, નુરુલ ઈસ્લામ અને SP સાંસદ અફઝલ અંસારીનો સમાવેશ થાય છે. આ સિવાય બે અપક્ષ સાંસદ એન્જિનિયર રાશિદ અને અમૃતપાલ સિંહ પણ શપથ લઈ શક્યા ન હતા.