ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સવારે તાપી, નવસારી તેમજ સુરતમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામ અને કામરેજમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત અને બોરસદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો એવરેજ 26.32 ટકા વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વ્યારામાં 46 MM, નવસારી 37 MM,મહુવા 36 MM, સોનગઢમાં 35 MM સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.