મુંબઈમાં લાંબા સમયથી રસ્તા પર ઓછી દોડી રહેલી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસોને કારણે નાગરિકો લાંબી લાઈનમાં બસની રાહ જોતા ઊભા રહીને કંટાળી ગયા છે ત્યારે બહુ જલદી રસ્તા પર નવી ઈલેક્ટ્રિક મિડી બસ દોડતી જોવા મળવાની છે. મંગળવારે બેસ્ટ કમિટીની બેઠકમાં ૧,૫૦૦ ઈલેક્ટ્રિક મિડી બસ લેવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
મુંબઈમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બેસ્ટ ઉપક્રમે એક મોટો નિર્ણય લીધો છે. બેસ્ટ સમિતિએ મંગળવારે શહેરમાં મુંબઈના દરેક ખૂણાની મુસાફરીને સરળ બનાવવા માટે ૧,૫૦૦ પીએમ-ઈ-ડ્રાઈવ ઇલેક્ટ્રિક મિડી બસ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ નવી ઇલેક્ટ્રિક મિડી બસો રહેણાંક વિસ્તારો, સાંકડા રસ્તાઓ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને મુખ્ય બસ રૂટને વધુ અસરકારક કનેક્ટિવિટી પ્રદાન કરશે. બેસ્ટના આ પગલાથી મુસાફરોની મુસાફરી વધુ અનુકૂળ, ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનશે. મુંબઈમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટને વેગ મળશે અને પ્રદૂષણ ઘટાડવાની સાથે શહેરના લાસ્ટ માઇલ સુધી કનેક્ટિવિટીને પણ મજબૂત બનાવવાની અપેક્ષા છે.
બેસ્ટએ શહેરી પરિવહનમાં પરિવર્તન લાવવા માટે ૨૦૨૭ સુધીમાં તેના કાફલાને ૧૦,૦૦૦ બસો સુધી વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે હેઠળ ૧,૫૦૦ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક મિડી બસો ખરીદવાને મંજૂરી આપી છે.આ તમામ ૧,૫૦૦ બસ નવ મીટર લાંબી મીડી બસો છે, જેમાં દિવ્યાંગ મુસાફરોની વ્હીલચેર માટે ૪૦૦ મિ.મી. ઊંચાઈનો અલ્ટ્રા-લો ફ્લોર પ્રવેશદ્વાર છે. આ તમામ ઇલેક્ટ્રિક મીડી બસો ચાર તબક્કામાં બેસ્ટના ૧૩ બસ ડેપો દાખલ થશે.
ગ્રીનસેલ મોબિલિટી પ્રા. લિ. અને સાઈ ગ્રીન પ્રોજેક્ટ્સ પ્રા. લિ.ને ૬૦.૨૫ પૈસા પ્રતિ કિ.મી.ના અંતિમ દરે કરાર માટે મંજૂરી આપવામાં આવી હતી.આ માટે રૂ. ૭,૦૨૭.૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમાંથી કેન્દ્ર સરકાર ૩૭૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પૂરી પાડશે એવું બેસ્ટના જનરલ મેનેજર ડો. સોનિયા સેઠીએ જણાવ્યું હતું.




