વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે.
હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 26.15 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.
આજવા ડેમની સપાટી 212.20 ફૂટ પહોંચી છે. ડેમ ઓવરફ્લો થતા 62 દરવાજા ખોલાયા છે. આજવા ડેમમાં નવા નીર આવતાં ખુશી અને પૂરની સ્થિતિનું નિર્માણ થતાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદી કાંઠે રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસવા પાલિકાએ અપીલ કરી છે.
ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ તો વડોદરા, આણંદ, ડાંગ, તાપી, નર્મદા, ભરુચ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.