પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે, પરંતુ દેશવાસીઓ હજુ પણ ગોલ્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક 2024માં તિરંગો લહેરાવી રહી છે. ભારતીય હોકી ટીમ દરેક મેચમાં સફળ રહી છે. હરમનપ્રીત સિંહની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી છે. જ્યારે ગ્રુપ સ્ટેજમાં હજુ બે મેચ બાકી છે. આવી સ્થિતિમાં હોકી ટીમ પાસેથી મેડલની અપેક્ષા વધી ગઈ છે.
ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે. ત્રણ મેચમાંથી ભારત બે જીતવામાં સફળ રહ્યું છે અને એક મેચ ડ્રો રહી હતી. ભારતની પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે રમાઈ હતી. જેમાં ભારતે 3-2થી જીત મેળવી હતી. ભારતની બીજી મેચ આર્જેન્ટિના સામે રમાઈ હતી. આ મેચ 1-1થી ડ્રો રહી હતી. ભારતની ત્રીજી મેચ આયર્લેન્ડ સામે રમાઈ હતી. જેમાં ભારત 2-0થી જીત મેળવવામાં સફળ રહ્યું હતું. ત્રણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય હોકી ટીમ તેની ચોથી મેચ 1 ઓગસ્ટે બેલ્જિયમ સામે રમશે. આ મેચ બપોરે 1.30 કલાકે રમાવાની છે. આ પછી ભારતીય હોકી ટીમ ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 2 ઓગસ્ટે સાંજે 4:45 કલાકે રમશે.