પેરિસ ઓલિમ્પિકમાં ભારત હોકીની સેમિફાઈનલ હારી ગયું છે. ટીમને જર્મની સામે 3-2થી હાર મળી હતી. ભારત હવે બ્રોન્ઝ મેડલ જીતવા માટે સ્પેન સામે ટકરાશે. ગોલ્ડ મેડલનો મુકાબલો જર્મની અને નેધરલેન્ડ્સ વચ્ચે થશે.
જર્મની માટે ગોન્ઝાલો પિલાટે 18મી મિનિટે, ક્રિસ્ટોફર રુહરે 27મી મિનિટે અને માર્કો મિલ્ટકાઉએ 54મી મિનિટે ગોલ કર્યા હતા. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 7મી મિનિટે અને સુખજીત સિંહે 36મી મિનિટે ગોલ કર્યા હતા.
મેચમાં 3 મિનિટ બાકી હતી. ભારતનો ગોલકીપર પીઆર શ્રીજેશ મેદાન છોડી ગયો હતો. તેના સ્થાને ભારતે એક ફિલ્ડ પ્લેયરનો ઉમેરો કર્યો હતો. છેલ્લી મિનિટોમાં ગોલ કરવાની તક હતી, પરંતુ ભારત ગોલ કરી શક્યું ન હતું. ફૂલ ટાઇમની સીટી વાગી અને ભારતે સતત બીજી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની તક ગુમાવી દીધી.