જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્રણ તબક્કામાં યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે એટલે કે બુધવારે મતદાન થશે. આજે મંગળવારે સવારે મતદાન પ્રક્રિયાના કર્મચારીઓ મતદાન સ્થળો માટે રવાના થયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જેના માટે કુલ 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની કુલ 16 બેઠકો પર મતદાન થશે. તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયા, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ અને પહેલગામનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ વિભાગની 8 બેઠકો પર પણ આવતીકાલે મતદાન થશે. જેમાં ઈન્દરવાલ, કિશ્તવાડ, પદ્દાર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થશે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં જે 24 બેઠકો માટે મતદાન થશે. તે બેઠકો પર કુલ 23,27,580 નોંધાયેલા મતદારો છે, જેમાં 11,76,462 પુરૂષો અને 11,51,058 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 60 ત્રીજા લિંગના મતદારો પણ છે. આ મતદારોમાં 18 થી 29 વર્ષની વયજૂથના કુલ 5.66 લાખ મતદારો છે. જ્યારે 18 થી 19 વર્ષની વયના 1,23,960 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. પ્રથમ વખતના મતદારોમાં કુલ 10,261 પુરૂષો અને 9,329 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 28,309 વિકલાંગ મતદારો પણ મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 85 વર્ષથી વધુ ઉંમરના 15,774 મતદારો પણ મતદાન કરશે.
પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે કુલ 219 ઉમેદવારો મેદાનમાં છે. આ પૈકી પમ્પોર વિધાનસભા બેઠક માટે સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર કુલ 14 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સૌથી ઓછા ઉમેદવારો શ્રીગુફવારા-બિજબેહરા વિધાનસભા ક્ષેત્રમાંથી છે. જ્યાં માત્ર ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. ઈન્દરવાલમાં નવ ઉમેદવારો, કિશ્તવાડમાં સાત અને પાદર-નાગસેનીમાં છ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ડોડામાં ભાદરવાહમાં 10, ડોડામાં 9 અને ડોડા પશ્ચિમમાં 8 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.