અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરીમાં આણંદના વાસદ પાસે મોટી દુર્ઘટના ઘટી હતી. કામગીરી દરમિયાન ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી મહીસાગર નદીના નજીક આણંદ તાલુકાના વાસદ નજીક રાજપુરા ખાતે ચાલી રહી છે. એ અંતર્ગત આજે મહીસાગર બ્રિજ ઉપર લોખંડની ગડર નાખવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક ગડર તૂટી પડતાં કોંક્રીટનો સામાન પુલ ઉપરથી નીચે પડ્યો હતો, જેને કારણે પથ્થરો તૂટી પડતાં ચાર મજૂર દટાયા હતાં. ચાર પૈકી ત્રણના મોત થયા છે. જ્યારે એક સારવાર હેઠળ છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સના કાફલા સાથે જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી. જસાણી, નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ, વાસદ પોલીસની ટીમ તેમજ આણંદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી બાજુ બુલેટ ટ્રેનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા અને બે ક્રેન, એક જે.સી.બી અને આણંદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ હતી.