અમેરિકામાં આગામી તા.20 જાન્યુઆરીના દેશના પ્રમુખપદે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ વિશ્વમાં હાલ ચાલતા યુદ્ધો અટકાવવાની ‘શેખી’ મારી છે તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન યાહુ સાથેની વાતચીતમાં તેઓ પશ્ચિમ એશિયા એક બાદ એક દેશોને ટાર્ગેટ બનાવે તેવા સંકેત આપ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન યાહુએ શ્રી ટ્રમ્પ સાથેની ટેલીફોનીક અંગે એક વિડીયો સંદેશ જારી કર્યો છે અને તેઓએ હાલ જે રીતે મધ્યપુર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે ખત્મ કરવા અમેરિકી મદદ માંગી હતી.
આ વાતચીતમાં હમાસ દ્વારા જે રીતે ઈઝરાયેલ સહિતના દેશોના નાગરિકને બંધક બનાવાયા છે તેની મુક્તિ કઈ રીતે શકય બને તે અંગે બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આગામી દિવસોમાં કોઈ મોટુ ઓપરેશન પણ થાય તેવા સંકેત છે. નેતાનયાહુએ કહ્યું કે, મે અગાઉ જ કહ્યું હતું કે પશ્ચિમ એશિયાનો નકશો બદલી નાખીશુ અને તેમજ થયુ છે. સીરીયા હવે પહેલા જેવુ સીરીયા નથી. લેબનાન અને ગાઝામાં પણ તેવું જ થઈ રહ્યું છે. અમો હીઝબુલાને ફરી સશસ્ત્ર થવા દેશું નહી. ઈરાનને પણ અમો નબળું પાડી દેશું. આ ઈઝરાયેલની પરીક્ષા છે અને તે અમો પુરી રીતે પાસ કરીશું.