ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મૂકાયા પછી ત્રણ યુએસ કંપનીઓએ સજાથી બચવા માટે 22.50 કરોડ ડોલર (લગભગ રૂપિયા 1900 કરોડ રૂપિયા)નો ભારે દંડ ચૂકવ્યો હોવાના અહેવાલ છે. આ ત્રણ કંપનીઓ મૂગ ઈન્કોર્પોરેશન, ઓરેકલ અને એલ્બેમાર્લે કોર્પોરેશન પર વિવિધ ભારતીય વિભાગો અને રેલવે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL), અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહિતની સરકારી કંપનીઓના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ હતો.
આ ત્રણ કંપનીઓએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને કેસના સમાધાન માટે ત્રણ ગણો દંડ ચૂકવ્યો હતો. આ સંજોગોમાં તેમણે ભારતીય અધિકારીઓને લગભગ ૬૫૦ કરોડ રૂપિયાની રકમ લાંચ તરીકે ચૂકવી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા અપાયેલી વિગતો પ્રમાણે મૂગ કોર્પોરેશને કેસની પતાવટ માટે 16.8 લાખ ડોલર (લગભગ 14.28 કરોડ રૂપિયા) ચૂકવ્યા છે જ્યારે ઓરેકલે પતાવટ માટે 2.30 કરોડ ડોલર (લગભગ રૂપિયા 200 કરોડ)ની ચૂકવણી કરી છે. ત્રીજી કંપની એલ્બેમાર્લે 19.8કરોડ ડોલર (લગભગ રૂપિયા 1683 કરોડ) ચૂકવ્યા છે.
આ પૈકી પ્રથમ કિસ્સામાં, મૂગ ઈન્કોર્પોરેશન પર હિંદુસ્તાન એરોનોટિકિસ (HAL) અને ભારતીય રેલ્વેના અધિકારીઓને ૫ લાખ ડોલર (લગભગ રૂપિયા 4.20 કરોડ રૂપિયા)થી વધુ લાંચ આપવાનો આરોપ હતો. મૂગ ઈન્કોર્પોરેશન કંપની લશ્કરી, એરોસ્પેસ અને ઔદ્યોગિક મશીનરી ક્ષેત્રોમાં કામ કરે છે. કંપની એરોસ્પેસ, સંરક્ષણ, ઔદ્યોગિક અને તબીબી એપ્લિકેશનો માટે અદ્યતન સ્પીડ કંટ્રોલ ઉત્પાદનોની ડિઝાઇન બનાવે છે અને ઉત્પાદનમાં કામ કરે છે.
ડેઈલી પાયોનિયરે યુએસ સરકારના દસ્તાવેજોને ટાંક્યા છે જે દર્શાવે છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેની ભારતીય પેટાકંપની મૂગ મોશન કંટ્રોલ્સ પ્રાઈવેટ લિમિટેડ (MMCPL) દ્વારા હિંદુસ્તાન એરોનોટિક્સ, દક્ષિણ મધ્ય રેલવે અને રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ના અધિકારીઓને લાંચ આપી હતી. આ દસ્તાવેજો દર્શાવે છે કે હિંદુસ્તાન એરોનોટિક્સના અધિકારીને કથિત રીતે ૫ ટકા કમિશન ચૂકવવામાં આવ્યું હતું. કંપનીને સધર્ન સેન્ટ્રલ રેલ્વે તરફથી 34323 ડોલર અને હિંદુસ્તાન એરોનોટિક્સ પાસેથી ૧૪ કરોડ ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
બીજા કિસ્સામાં, આઇટી જાયન્ટ ઓરેકલ પર યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને તુર્કીમાં ભારતીય રેલ્વેના અધિકારીઓ અને સંસ્થાઓને 68 લાખ ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કિસ્સામાં, કંપનીએ કથિત રીતે લગભગ કેસના સમાધાન માટે 2.30 કરોડ ડોલરનો દંડ ચૂકવ્યો હતો. ત્રીજા કેસમાં યુ.એસ. કેમિકલ ઉત્પાદક અલ્બેમાર્લે પર ઈન્ડોનેશિયા અને વિયેતનામમાં ઈન્ડિયન ઓઈલના અધિકારીઓ અને કંપનીઓને લગભગ 6.35 કરોડ ડોલરની લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)ના દસ્તાવેજો પ્રમાણે, આ લાંચ ઈન્ડિયન ઓઈલના વિયેતનામ અને ઈન્ડોનેશિયા સ્થિત કંપનીઓના કોન્ટ્રાક્ટ માટે આપવામાં આવી હતી. આલ્બેમરલે એક મુખ્ય કેમિકલ સપ્લાયર છે જે ઇન્ડિયન ઓઇલ સહિત વિશ્વભરમાં લગભગ 700 રિફાઇનરીઓ સાથે બિઝનેસ ધરાવે છે. આ સિવાય ૨૦૦૯-૧૧ દરમિયાન કંપનીએ ભારતમાં લગભગ 11.4 કરોડ ડોલરની લાંચ ભારતીય અધિકારીઓને ચૂકવી હતી.