અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આની જાહેરાત કરી. આ સિવાય ફેબ્રુઆરીમાં ચીન પર લગાવવામાં આવેલાં 10% ટેરિફને વધારીને 20% કરવાની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પની જાહેરાત પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી 21 દિવસમાં 155 અબજ ડોલરની આયાત પર 25% ટેરિફ લાદવામાં આવશે. જેની શરૂઆત મંગળવારથી 30 અબજ ડોલરની આયાત પર ટેરિફથી થશે. ટેરિફની જાહેરાત બાદ અમેરિકાના શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાનો S&P 500 ઇન્ડેક્સ 2% ઘટી ગયો છે.
ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાના બે પડોશી દેશો પર ફેન્ટાનાઇલ (ડ્રગ)ની દાણચોરી રોકવા અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવા દબાણ લાવવાના ઉદ્દેશ્યથી લાદવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 1 ફેબ્રુઆરીના રોજ કેનેડા-મેક્સિકો પર 25% ટેરિફ લાદવાનો આદેશ જાહેર કર્યો હતો. તે 4 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો. બાદમાં બંને દેશોના નેતાઓએ ટ્રમ્પ સાથે વાતચીત કરી. ત્યારબાદ ટેરિફ આગામી 30 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો.