મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી વિક્રમસિંહ બોલું છું, એમ કહીને વડોદરાની મહિલાને સાડાસાત મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાયબરમાફિયાઓએ મહિલા પાસેથી 1.89 કરોડ રૂપિયા પડાવ્યા છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં રહેતી મહિલાને 22 ઓગસ્ટના રોજ સાયબરમાફિયાઓએ કોલ કર્યો હતો અને મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ-ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ બોલું છું. તમારું આધારકાર્ડ અને મોબાઇલ નંબરનો હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ, સ્મગ્લિંગ, મની લોન્ડ્રિંગ, આઇડેન્ટિટી થેપ્ટ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વેબસાઇટમાં ઉપયોગ થયો છે, જેમાં મોહંમદ ઇસ્લામ મલિક નામનો આરોપી પકડાયો છે. ત્યાર બાદ સાયબરમાફિયાઓએ મહિલાને વીડિયો કોલ પણ કર્યા હતા.
22 ઓગસ્ટ 2024થી 2 એપ્રિલ 2025 દરમિયાન વડોદરાની મહિલાને સતત ફોન અને વીડિયો કોલ કરીને સાયબરમાફિયાઓએ ડિજિટલ એરેસ્ટ રાખી હતી અને બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક સહિતનાં વિવિધ બેંક એકાઉન્ટમાં મહિલાએ નાણાં ટ્રાન્સફર કર્યાં હતા. સાયબરમાફિયાઓએ અત્યારસુધીમાં કુલ 1,89,00,017 રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા છે.
આ દરમિયાન સાયબરમાફિયાઓએ મહિલાને બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા અને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી હતી અને મહિલાને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને ટુકડે ટુકડે મહિલા પાસેથી આ મોટી રકમ પડાવી હતી. આ મહિલાએ છેવટે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.