આજે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં એક ગોઝારી ઘટના બની છે. જીલ્લાના પીપલોડી ગામમાં
એક સરકારી શાળાની ઈમારતની છત ધરાશાયી થતાં 6 બાળકોના મોત થયા છે, આ ઉપરાંત 30થી
વધુ બાળકો કાટમાળ હેઠળ દટાયા હોવાની શક્યતા છે, હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
અહેવાલ મુજબ જર્જરિત સ્થિતિમાં રહેલી ઈમારતની છત તૂટી પડી ત્યારે પ્રાર્થના સભા ચાલી રહી હતી.
ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ છે, વહીવટીતંત્રના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ
ઘટનાસ્થળે પહોંચી રહી છે. સ્થાનિકો બચાવ કાર્યમાં જોડાયા છે. હાલ JCB મશીનની મદદથી કાટમાળ
દૂર કરવામાં આવી રહ્યો છે. ઘાયલ બાળકોને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી રહ્યા
છે. હજુ સુધી 4 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે. શાળાની છત
ધરાશાયી થવાની ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ
એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત
ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
મુખ્યમંત્રીએ તપાસના નિર્દેશ આપ્યા
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શાળાના મકાન અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અકસ્માતની
તપાસના આદેશ આપ્યા છે.