પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશપ્રધાન ઇશાક ડારે સ્પષ્ટતા કરી હતી કે સંઘર્ષ દરમ્યાન
ઇસ્લામાબાદે ક્યારેય અમેરિકા અથવા કોઈ પણ ત્રીજા પક્ષને ભારત સાથે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી
કરવાની વિનંતી કરી નહોતી. આ નિવેદનથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ માટે ક્ષોભજનક
પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે તેઓ યુદ્ધવિરામ માટે વારંવાર ક્રેડિટ લઈ રહ્યા છે. ભારતે તો આ મુદ્દે
ઇનકાર કરી દીધો છે અને હવે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાને પણ આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ઇસ્લામાબાદમાં સંસદભવનની બહાર પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતાં પાકિસ્તાનના નાયબ વડા
પ્રધાને સ્વીકાર્યું હતું કે ભારતીય હુમલા દરમ્યાન નુકસાન સહન કર્યા પછી પાકિસ્તાને પોતે જ યુદ્ધવિરામ
માટે વિનંતી કરી હતી, અમેરિકા અથવા અન્ય કોઈ દેશને વાટાઘાટો કરવા કહ્યું નહોતું. યુદ્ધવિરામની
વિનંતી પાકિસ્તાન તરફથી આવી હતી.
ભારતે કરેલા હુમલામાં પરાજય છતાં ઇશાક ડારે ઇસ્લામાબાદની ભારત સાથે વાતચીત માટે તૈયારીનો
સંકેત આપ્યો હતો અને આ મુદ્દે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે વ્યાપક વાટાઘાટો માટે તૈયાર
છે, જેમાં કાશ્મીર અને તમામ બાકી મુદ્દાઓનો સમાવેશ થાય છે.