અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અમેરિકન હાઉસ ઓવરસાઇટ કમિટીને સોંપવામાં આવેલા 8544 દસ્તાવેજોમાં ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્ક, અબજોપતિ ટેક ઇન્વેસ્ટર પીટર થિલ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યૂહરચનાકાર રહેલા સ્ટીવ બેનન જેવા દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે 2007ના વિવાદાસ્પદ ‘પ્લી ડીલ’ (ગુનો કબૂલીને સજા ઓછી કરાવવાની સમજૂતી) પછી પણ એપસ્ટીનના સંબંધો વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનાઢ્ય લોકો સાથે જળવાઈ રહ્યા હતા.
જેફ્રી એપસ્ટીન અમેરિકાનો એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત છે. તેની પાસે ન્યૂયોર્કથી ફ્લોરિડા સુધીની કરોડોની સંપત્તિઓ, પ્રાઇવેટ જેટ અને આલિશ રિસોર્ટ્સ હતા.1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને મનોરંજન જગતની મોટી હસ્તીઓ સાથે હતા. 2002માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ સારો માણસ ગણાવ્યો હતો.જોકે, 2007માં તે સગીર છોકરીઓના યૌન શોષણના મોટા કાંડમાં ફસાયો. વિવાદાસ્પદ ‘પ્લી ડીલ’ને કારણે તેને માત્ર 13 મહિના જેલમાં રહેવું પડ્યું અને તેનું નામ યૌન અપરાધી તરીકે નોંધાયું. 2019માં સગીરોની યૌન ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટિક સભ્યોએ જે ત્રીજી બેચ જાહેર કરી છે, તેમાં એપસ્ટીનની દૈનિક ડાયરી, ફ્લાઇટ લોગ્સ, ફોન મેસેજ રેકોર્ડ્સ અને નાણાકીય દસ્તાવેજો સામેલ છે. આ વખતે કુલ 8544 દસ્તાવેજો જાહેર થયા છે. દસ્તાવેજોમાં 6 ડિસેમ્બર 2014ની તારીખનો એક કાર્યક્રમ (ઇટિનરરી) મળ્યો છે. તેમાં ઈલોન મસ્કની એપસ્ટીન આઇલેન્ડની મુલાકાતનો ઉલ્લેખ છે. નોંધમાં હાથથી લખ્યું છે: ‘Is this still happening? (શું આ હજુ પણ થઈ રહ્યું છે?).’ જોકે મસ્ક ખરેખર ત્યાં ગયા હતા કે નહીં તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દસ્તાવેજ જણાવે છે કે તેઓ ક્યારેક એપસ્ટીનના સંપર્કમાં જરૂર રહ્યા હતા.
ઈલોન મસ્કનો ખુલાસો
કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનના દસ્તાવેજોની ત્રીજી બેચમાં ઈલોન મસ્કનું નામ સામેલ થતા તેમણે આ દાવાઓને ‘તદ્દન ખોટા’ ગણાવીને ફગાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, હાઉસ ઓવરસાઇટ કમિટીને સોંપાયેલી ફાઇલોમાં ડિસેમ્બર 2014માં મસ્કને એપસ્ટીનના ટાપુ પર આમંત્રણ અપાયું હોવાનો ઉલ્લેખ છે. આ જ દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુનું નામ પણ સામે આવ્યું છે.