ભારતીય ટીમ માટે જીતની હીરો ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્ઝ રહી. મેચ બાદ જેમિમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે 134 બોલમાં 94.77 સ્ટ્રાઈક રેટથી 127 રન ફટકાર્યા. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ પણ આપવામાં આવ્યો. જેમિમાએ મેચમાં 14 ચોગ્ગા પણ ફટકાર્યા. ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ મેચ જીત્યા બાદ જેમિમા મેદાન પર જ રડી પડી. ઍવોર્ડ લેતા સમયે પણ તેની આંખોમાં આંસુ દેખાયા. તેણે કહ્યું, કે ‘હું મારા માતા પિતાની આભારી છું. તેમના વિના આ શક્ય નહોતું. ગઈ વખતે મને વર્લ્ડકપમાં રમવાનો મોકો નહોતો પણ આ વખતે મળ્યો. હું માનસિક રીતે પરેશાન હતી. મેં બાઈબલ વાંચી જેનાથી મને મદદ મળી. આટલી મોટી સંખ્યામાં લોકો અમારું સમર્થન કરવા આવ્યા તે બદલ આભાર.’જીત બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પવેલીયનમાં રડી પડી હતી. તેણે પણ મેચમાં 89 રન ફટકારી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.
 
			

 
                                 
                                



