લાલા કિલ્લા બ્લાસ્ટ સાથે જોડાએલી અલ ફલાહ ટ્રસ્ટ અને સંલગ્સ અલ ફલાહ યુનિવર્સિટી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી ફરીદાબાદ જેવા અનેક સ્થળો પર સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ કરવામાં આવી છે. જેમાં કરોડો રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ અને વિદેશી ફંડિંગના નિયમોનું ઉલ્લંઘન સામેલ છે.
ઈડીની ટીમોએ દિલ્હીના ઓખ્લા, જામિયા નગર, ઓખ્લા વિહાર તેમજ ફરીદાબાદના સેક્ટર-૨૨માં આવેલા યુનિવર્સિટી કેમ્પસ અને ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય પર સવારથી દરોડા શરૂ કર્યા છે. સંચાલકોના ઘરો પર પણ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં મહત્વના દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો, લેપટોપ, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. સાંજ સુધી વધુ કેટલાક સ્થળો પર દરોડા પડે તેવી શક્યતા છે.
ઈડીની આ કાર્યવાહીને પગલે દિલ્હી પોલીસ અને સ્થાનિક પ્રશાસને સંપૂર્ણ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. હજી સુધી કોઈની ધરપકડની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે. આ કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો માહોલ છે.
થોડા મહિના પહેલા જ ઈડીએ અલ-ફલાહ યુનિવર્સિટી અને તેના માલિકો-સંચાલકો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ટ્રસ્ટ અને યુનિવર્સિટીના નામે કરોડો રૂપિયાનું કાળું નાણું સફેદ કરવામાં આવ્યું, વિદેશી દાનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને સંપત્તિઓનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર લેવડ-દેવડ કરવામાં આવી.






