ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની બેઠકમાં આજે રેપો રેટ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠક 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી અને આજે 5 ડિસેમ્બરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, રેપો રેટ 0.25 બેસિસ પોઇન્ટ સુધી ઘટાડવામાં આવી રહ્યો છે. આ સાથે રેપો રેટ 5.50થી ઘટીને 5.25% પર આવી ગયો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે, આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જોકે અગાઉ 2025ના આ ચાલુ વર્ષમાં 3 વખત રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. હાલમાં ચાલુ વર્ષે રેપો રેટ 6.25% થી ઘટીને 5.50% સુધી આવી ચૂક્યો હતો. જે આજના ઘટાડા સાથે 5.25% પર પહોંચી ગયો છે. રેપો રેટ એટલે કે જેના પર દેશની સેન્ટ્રલ બેન્ક અન્ય બેન્કોને લોન આપે છે અને પછી એના આધારે બેન્ક ગ્રાહકોને લોન આપે છે. એવામાં જો રેપો રેટમાં ઘટાડો થાય તો તેની સીધી અસર લોન પર થાય છે. ફ્લોટિંગ રેપો લિંક બેઝ્ડ લોન પર રેપો રેટમાં ઘટાડા સાથે જ તમારી હોમ લોન, કાર લોન વગેરેમાં ઈએમઆઈમાં કે પછી લોન મુદ્દતમાં ઘટાડો થઈ શકે છે.





