અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને સીધી ચેતવણી આપી છે કે કાં તો તે વોશિંગ્ટન સાથે સમજૂતી કરે અથવા સંપૂર્ણ આર્થિક અલગતા માટે તૈયાર રહે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના તેલ પર નિર્ભર ક્યુબાની અર્થવ્યવસ્થા હવે પતનની આરે છે અને તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અત્યાર સુધી વેનેઝુએલા પર કાર્યવાહી કરી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે ઈરાન, ગ્રીનલેન્ડ, કોલંબિયા અને હવે ક્યૂબાને ધમકી આપી છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, “વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે. હવે ક્યુબાને ન તેલ મળશે, ન પૈસા. બધું જ ઝીરો છે. હું તેમને કડક સલાહ આપું છું કે તેઓ સમય રહેતા ડીલ કરી લે.”
ઉલ્લેખનીય છે કે, ક્યુબા તેની જરૂરિયાતનું 50 ટકા તેલ વેનેઝુએલા પાસેથી મેળવતું હતું. પરંતુ જાન્યુઆરીમાં માદુરોની ધરપકડ બાદ અમેરિકાએ તેલના પુરવઠા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે, જેના કારણે ક્યુબામાં અત્યારે ભારે વીજ કાપ અને ઈંધણની તંગી સર્જાઈ છે.ટ્રમ્પની આ ધમકી બાદ ક્યુબાના પ્રમુખ મિગેલ ડિયાઝ-કેનેલે આક્રમક વલણ અપનાવતા X પર લખ્યું કે, “ક્યુબા એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે. અમને કોઈ નિર્દેશ આપી શકે નહીં. અમે સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ દેશની રક્ષા માટે લોહીના છેલ્લા ટીપાં સુધી લડવા તૈયાર છીએ.” ક્યુબાના વિદેશ મંત્રીએ અમેરિકા પર ‘ગુનાહિત વલણ’ અપનાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે અમેરિકા વૈશ્વિક શાંતિ માટે ખતરો છે.
હવાના (ક્યુબા) અને કારાકસ (વેનેઝુએલા) વચ્ચેનું દાયકાઓ જૂનું ગઠબંધન અત્યારે જોખમમાં છે. રિપોર્ટ્સ મુજબ, વેનેઝુએલામાં અમેરિકન લશ્કરી કાર્યવાહી દરમિયાન ક્યુબાના 32 સશસ્ત્ર જવાનો માર્યા ગયા છે, જેઓ ત્યાં સુરક્ષા સેવાઓ આપી રહ્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ ભરી દીધી છે.






