લિબિયા પર ચાર દાયકા સુધી શાસન કરનારા કુખ્યાત સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ
અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે વ્યક્તિ એક સમયે લિબિયાના સત્તાવાર
પદ વગર પણ દેશનો સૌથી શક્તિશાળી ચહેરો હતો, તેનો અંત અત્યંત રહસ્યમય સંજોગોમાં થયો છે.
જોકે, હજુ સુધી આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ જૂથે સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.
સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી લિબિયાનો એક એવો ચહેરો હતો જેને પશ્ચિમી દેશો ‘આશાનું કિરણ’ માનતા
હતા. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરનાર સૈફ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો અને
પશ્ચિમી લોકશાહીના મૂલ્યોની વાતો કરતો હતો.
લિબિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું અટૂલું પડતા બચાવવા માટે તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
1988ના લોકરબી બોમ્બ ધડાકાના પીડિતોને વળતર અપાવવા અને લિબિયાના સામૂહિક વિનાશના
શસ્ત્રોનો ત્યાગ કરાવવા માટે તેણે પશ્ચિમી દેશો સાથે સફળ વાટાઘાટો કરી હતી. વર્ષ 2011માં જ્યારે
ગદ્દાફી શાસન સામે બળવો ફાટી નીકળ્યો, ત્યારે સુધારક ગણાતા સૈફે તરત જ પોતાના કુટુંબ અને
પિતાની વફાદારી સ્વીકારી બળવાખોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ જ વળાંક તેના
પતનની શરૂઆત સાબિત થયો.
સૈફની હત્યાથી લિબિયાના અસ્થિર રાજકારણમાં ફરી એકવાર અરાજકતા ફેલાવાની ભીતિ છે. ગદ્દાફી
સમર્થકો માટે તે એક આશાનું પ્રતીક હતો, જે હવે કાયમ માટે શાંત થઈ ગયું છે.



