મધ્ય પૂર્વમાં વણસતી સ્થિતિ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી દીધી છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે હવે એક નવો આદેશ જાહેર કર્યો છે, જે મુજબ આ દરિયાઈ માર્ગ પરથી પસાર
થનારા તમામ જહાજોએ ફરજિયાતપણે ઈરાની નેવી સાથે સંકલન સાધવું પડશે. ખાસ કરીને તેલ અને
ગેસનું પરિવહન કરતા જહાજો માટે નૌસેનાની પૂર્વ મંજૂરી લેવી હવે અનિવાર્ય બની ગઈ છે. ભારત
પોતાના જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે સતત રાજદ્વારી વાતચીત કરી
રહ્યું છે.
જોકે, ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈઝરાયલ અને અમેરિકાને સાથ આપતા દેશોના જહાજોને આ
વ્યૂહાત્મક માર્ગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. ઈરાનના ઉપ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર,
જે રાષ્ટ્રોએ આ સંઘર્ષમાં આક્રમક ભૂમિકા ભજવી છે, તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે સુરક્ષિત
માર્ગની સુવિધા મળશે નહીં.ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મૌજતબા ખામેનેઈએ પિતાના નિધન બાદ
પ્રથમ વખત આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ દબાણ બનાવવા માટે
હોર્મુઝ સ્ટ્રેટને બંધ રાખવાની ચીમકી આપી છે. ખામેનેઈના આ નિવેદને વૈશ્વિક બજારમાં ખળભળાટ
મચાવ્યો છે, કારણ કે અમેરિકા સતત દાવો કરી રહ્યું હતું કે ઈરાન હવે નબળું પડ્યું છે. આ તણાવની
સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલર પ્રતિ
બેરલને પાર કરી ગઈ છે, જ્યારે WTI ક્રૂડ 95 ડૉલર પર પહોંચ્યું છે. ઈરાને તો ત્યાં સુધી ચેતવણી
આપી છે કે તે તેલના ભાવને 200 ડૉલર સુધી લઈ જશે અને હાલમાં યુદ્ધ વિરામ કરવાનો તેનો કોઈ
ઈરાદો નથી.



