ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, ભારતના બે જહાજો થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. આ ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ રહી નથી. અરાઘચીએ બેટૂક શબ્દોમાં કહ્યું કે, “બેકચેનલથી સંદેશાની આપ-લે કરવી એ ડિપ્લોમેસી કે વાટાઘાટો નથી. વોશિંગ્ટન અલગ-અલગ માધ્યમોથી સંદેશા મોકલી રહ્યું છે, પરંતુ તેહરાન તેને ઔપચારિક વાર્તા માનતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અમેરિકા આ સંઘર્ષમાં પોતાના લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ઈરાને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું છે કે, તેઓ યુદ્ધને લાંબુ ખેંચવા માંગતા નથી, પરંતુ આ સંઘર્ષનો કાયમી અંત માત્ર ઈરાનની શરતો પર જ આવશે. ઈરાનની મુખ્ય શરતોમાં ભવિષ્યમાં હુમલા ન કરવાની ગેરંટી અને યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખીને ઈરાને સાબિત કરી દીધું છે કે વિશ્વના તેલ અને ગેસ સપ્લાયની કમાન તેમના હાથમાં છે.
અમેરિકા યુદ્ધ વહેલું પૂર્ણ થાય તે માટે પ્રયત્નશીલ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સાથેના યુદ્ધને વધુ ખેંચવાના મૂડમાં નથી. તાજેતરના અહેવાલો મુજબ, ટ્રમ્પ આગામી થોડા અઠવાડિયામાં આ સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકવા માંગે છે. ટ્રમ્પનું લક્ષ્ય છે કે, મે મહિનાના મધ્યમાં ચીની નેતા શી જિનપિંગ સાથે યોજાનારી બેઠક પહેલા આ વિવાદ ઉકેલાઈ જાય, જેથી તેઓ પોતાના ઘરેલું એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ જાહેર કરવામાં આવેલી 4-6 અઠવાડિયાની ટાઈમલાઈન પર ટકી રહે. ટ્રમ્પ માને છે કે યુદ્ધ હવે તેના અંતિમ ચરણમાં છે. જોકે, શાંતિ વાર્તા હજુ શરૂઆતી તબક્કામાં હોવાથી રસ્તો એટલો સરળ હોય તેવી શક્યતા નહીવત્ત છે.




