અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે. તેમણે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર
ટેક્સ વધારીને 100% કરી દીધો છે, જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા મેટલ્સ પરનો ટેક્સ ઘટાડીને
25% કરી દીધો છે.
ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે
અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે. જે કંપનીઓ આ શરત નહીં માને, તેમને
અમેરિકન બજારમાં ટકી રહેવા માટે ભારે ટેક્સ ચૂકવવો પડશે.
જે કંપનીઓ પોતાનું થોડું ઘણું ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ કરશે, તેમને 20% ટેક્સના દાયરામાં
રાખવામાં આવશે. જોકે, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન જેવા અમેરિકાના નજીકના
વેપારી મિત્રો માટે આ ટેક્સની મર્યાદા 15% નક્કી કરવામાં આવી છે.બીજી તરફ, સ્ટીલ, તાંબુ અને
એલ્યુમિનિયમ પર લાગતી ડ્યુટીમાં મોટી રાહત અપાઈ છે. પહેલા આ મેટલ્સ પર 50% ટેક્સ હતો, જે
હવે ઘટાડીને 25% કરાયો છે. આ પગલાથી અમેરિકામાં ઘર આંગણે ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી
રહેશે.
આ નવા ટેક્સ પાછળનું એક કારણ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ પણ છે. ફેબ્રુઆરીમાં કોર્ટે ટ્રમ્પના
અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવ્યા હતા, જેના કારણે સરકારને 166 અબજ ડોલર રિફંડ
આપવા પડ્યા હતા. આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા ટ્રમ્પ આ નવો નિયમ લાવ્યા છે.
ફાર્મા કંપનીઓને આ ફેરફાર લાગુ કરવા માટે 120 થી 180 દિવસનો સમય અપાયો છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ
આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે દવાઓ પરના આકરા ટેક્સને કારણે સામાન્ય
લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે.

