ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ કરવામાં આવી રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં મોટા પાયે ‘બ્લેકઆઉટ’ અને ‘એર રેડ’ જેવી સ્થિતિનો સામનો કરવા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર યથાવત છે…’. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત વિરુદ્ધ કરાયેલા કોઈપણ કૃત્યનો હિસાબ ચોક્કસપણે લેવામાં આવશે.રાજ્યના તમામ જિલ્લાઓમાં રાત્રે 8 વાગ્યે હાઈ-લો પિચ સાયરન વગાડવામાં આવશે અને નિર્ધારિત વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે. લુધિયાણા અને ફરીદકોટ જેવા શહેરોમાં એનડીઆરએફ અને પોલીસ દ્વારા બચાવ કામગીરીનું રિહર્સલ કરાશે.
કિશ્તવાડમાં 23 એપ્રિલે ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એર રેડ ડ્રિલ યોજાશે. રામબનમાં સીઆરપીએફ દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષા માટે ખાસ મોક ડ્રિલ કરવામાં આવી છે.
ગયા વર્ષે 7 મે 2025ના રોજ જ્યારે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું, તે પહેલા પણ સરહદી વિસ્તારોમાં આ જ પ્રકારની મૉક ડ્રિલ કરવામાં આવી હતી. તે સમયે ભારતે પીઓકે માં ઘૂસીને 9 આતંકી લોન્ચપેડ્સ તબાહ કર્યા હતા અને પાકિસ્તાનના 9 એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતું.


